બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનરાધાર મેઘવર્ષા બાદ છેલ્લા ૩૯ કલાકમાં સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદી માહોલ રહેતા અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાયો છે. દેવભૂમિ દ્વારકાનાં ચારેય તાલુકાનો થઈhttps://youtu.be/4__024UzwUM સરેરાશ ૨૦ ઈંચ વરસાદ ખાબકતાં સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં ૨૬ ઈંચ, ભાણવડમાં ૧૮.૧૨ ઈંચ, કલ્યાણપુરમાં ૧૭.૪૪ અને દ્વારકામાં ૧૭.૨૪ ઈંચ વરસાદ પડયો હતો. એ સિવાય જામનગરમાં ૧૮.૨૪ ઈંચ, જામજોધપુરમાં ૧૮.૧૨ અને પોરબંદરમાં ૧૭.૨૪ ઈંચ વરસાદ થયો છે.
બીજી તરફ આજે રાજ્યમાં વીજળી પડવાથી, તણાવા સહિત કુલ મોતનો આંક ૨૮એ પહોંચી ગયો છે. ધોધમાર વરસાદી માહોલના લીધે ગુજરાતનાં વિવિધ સ્ટેટ હાઈવે સહિત ૯૩૯ રસ્તાઓ બંધ હતા.
જેના લીધે એસટી બસના આજે વધુ ૮૩૭ રૂટ બંધ કરવા પડયા હતા. થાંભલા પડવાથી તેમજ સબસ્ટેશનોમાં પાણી ભરાઈ જવાથી ગુજરાતનાં કુલ ૭૭૧ ગામ તેમજ વડોદરામાં ૧ લાખ જેટલા ઘર અને જામનગરમાં ૧૦થી ૧૫ ટકા વિસ્તારમાં અંધારપટ છવાયો હોવાની વિગતો પ્રાપ્ત થાય છે.
બુધવાર સવારનાં ૬ વાગ્યા સુધીના વિતેલા ૨૪ કલાકમાં ગુજરાતનાં કુલ ૨૫૦ તાલુકાઓમાં વરસાદી માહોલ રહ્યો હતો, જેમાંથી ૭૮ તાલુકામાં બે ઈંચથી લઈને ૧૭.૩૬ ઈચ જ્યારે દિવસ દરમિયાનના ૧૨ કલાકમાં ૨૩૧ તાલુકામાં વરસાદ થયો હતો.
જેમાં ૨૧ તાલુકામાં ૨ ઈચથી લઈને ૭.૪૦ ઈંચ વરસાદ થયો હતો. આમ વીતેલા ૩૬ કલાકમાં રાજ્યનાં ૫૦થી વધુ તાલુકાઓમાં ૩ ઈંચથી લઈને ૧૪.૮૦ ઈંચ જયારે ૧૦ તાલુકામાં ૧૫ ઈંચથી લઈને ૨૬ ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.
ધોધમાર વરસાદના લીધે રાજ્યનાં અનેક વિસ્તારો બેટમાં ફેરવાતા સરકાર દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨૮,૪૯૫ લોકોનું સ્થળાંતરણ કરાયું છે જયારે ૧,૮૫૯ લોકોનો રેસ્કયુ દ્વારા બચાવ કરવામાં આવ્યો છે.
બુધવારે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારે વરસાદી માહોલ રહ્યો હતો. એ સિવાય ઉત્તર ગુજરાતનાં છૂટાંછવાયાં વિસ્તારમાં ભારે વરસાદ પડયો હતો.
આમ શનિવાર સવારથી જ રાજ્યમાં સતત ધોધમાર વરસાદ ચાલુ થયો છે, જે આજદિન સુધી અવિરત ભારે વરસાદ ચાલુ છે અને હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં વરસાદ હજુ ભારે વરસાદ ની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે રેડ એલર્ટ, આવતીકાલે ઓરેન્જ એલર્ટ.
ગુરુવારના રોજ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ જામનગર, પોરબંદર, જુનાગઢ અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતા હોવાથી હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.એ સિવાય ના અન્ય વિસ્તાર માં જરમર થી માધ્યમ પ્રકાર નો વરસાદ પડશે. બીજા દિવસે શુક્રવારે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી ઓરેન્જ એલર્ટ અપાયું છે. એ સિવાય ભરૂચ, સુરત, ડાંગ તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રસપ્ટેમ્બર મહિનાના પ્રારંભસુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.