Breaking
14 જૂન 2025, શનિ

ખાનગી મોબાઇલ ઓપરેટરોએ અસહ્ય ભાવ વધારો કરતા ગ્રાહકોની BSNL ભણી દોટ BSNL: ગ્રાહકો અને હાડમારી, બંને વધ્યા.

ખાનગી મોબાઈલ ઓપરેટરોએ કરેલા અસહ્ય ભાવ વધારાની સરખામણીએ બીએસએનએલની સેવાઓ વ્યાજબી કિંમતે ઉપલબ્ધ થતી હોવાથી ગ્રાહકો બીએસએનએલ તરફ વળી રહ્યા છે, ત્યારે ભારત સંચાર નિગમ – લિમિટેડ ભાવનગર તળે સેવાઓ લઈ રહેલા મોબાઈલ ગ્રાહકો કોલ ડ્રોપ, કનેક્ટિવિટી, કવરેજની સમસ્યાથી પીડાઇ રહ્યા છે.

જો કે, -તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ટેકનોલોજી અપગ્રેડ કરવામાં આવી રહી છે તેનાથી સમસ્યા નાબૂદ થઇ જશે.

બીએસએનએલની મોબાઇલ અને ઈન્ટરનેટ સેવાઓ તરફ ગ્રાહકો જડપથી આકર્ષાઈ રહ્યા છે. ખાનગી ઓપરેટરોએ કરેલા બેફામ ભાવવધારાની સરખામણીએ બીએસએનએલની સેવાઓ એકદમ વ્યાજબી દરે ઉપલબ્ધ હોવાથી છેલ્લા 6 માસમાં 43,429 નવા સીમ કાર્ડનું વેચાણ થયુ છે, અને તેમાં પણ છેલ્લા બે માસથી સીમ વેચાણ નોંધપાત્ર છે.

ટ્રાઈ દ્વારા વપરાશમાં ન હોય તેવા સીમકાર્ડ રદ્દ કરવાનો આદેશ આપ્યા બાદ સપ્ટેમ્બર 2023 પછી આવા સીમકાર્ડ બંધ કરવાનું તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યુ છે, તેના કારણે નવા ગ્રાહકો આકર્ષાયા હોવા છતા ચોપડા પર સંખ્યા વર્ષ 2022ની સરખામણીએ ઘટી છે. હાલ બીએસએનએલ સાથે જોડાયેલા ગ્રાહકો વાસ્તવિક ગ્રાહક છે. નેટવર્ક, કવરેજ, કોલ ડ્રોપની સમસ્યા ગ્રાહકોની સાથે વધી છે, તેથી ગ્રાહકોમાં અસંતોષ વ્યાપ્યો છે.

સોફ્ટવેર, ઓપ્ટિમાઇઝેશન અપગ્રેડેશન પછી સ્થિતિ સુધરી છે.

બીએસએનએલમાં કોલ, કવરેજ અંગેની થોડી સમસ્યા અગાઉ હતી, નેટવર્ક, સોફ્ટવેર, ઓપ્ટિમાઇઝેશન અપગ્રેડેશનની કાર્યવાહી કરવામાં આવ્યા બાદ પરિસ્થિતિમાં સુધારો આવ્યો છે, અને હાલ બધુ સામાન્ય રીતે ચાલે છે. સારી સેવાઓ આપવા અમે હંમેશા તત્પર છીએ.

જીલ્લામાં 4Gના 50 ટાવર કાર્યરત કરાતા રાહત થઇ.

ભાવનગર જીલ્લામાં 50 ટાવરમાં 4જીની ટેકનોલોજી અપગ્રેડ કરી અને કાર્યરત કરી દેવામાં આવ્યા છે. તેના કારણે ઇન્ટરનેટની સ્પીડ અને કનેક્ટિવિટી વધુ સારી મળી રહી છે. ગ્રાહકો વધુ સ્પીડનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે.

Leave a Reply