Breaking
15 જૂન 2025, રવિ

ભારતીય હવામાન વિભાગે રવિવારે કહ્યું કે બંગાળની ખાડીમાં બનેલું હવાના હળવા દબાણનું ક્ષેત્ર હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. આઈ એમડીના બુલેટિનમાં કહેવાયું છે કે આગામી ૨૪ કલાકમાં આ ડિપ્રેશન ઉત્તર ઓડિશા અને પશ્ચિમ બંગાળના તટો તરફ આગળ વધવાની અને ડીપ ડિપ્રેશનમાં તબદીલ થવાનું અનુમાન છે. ત્યાર બાદ, આગામી બે દિવસ દરમિયાન પશ્ચિમ બંગાળને અડીને આવેલા ઉત્તરી ઓડિશાના ગંગીય વિસ્તારો, ઝારખંડ અને નિકટવર્તી છત્તીસગઢના ઉત્તરી વિસ્તારો તરફ આગળ વધવાનું પૂર્વાનુમાન છે. વાતાવરણમાં થયેલા આ પલટાના કારણે તેલંગાણામાં ઘણા ભાગોમાં ભારે વરસાદ પડવાનું અનુમાન છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ માટે ઘણા જિલ્લામાં યલો એલર્ટ જારી કર્યું છે.

ઓડિશામાં ઘણાં સ્થળો માટે ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગે રવિવારે ઓડિશાના ગંજમ, ગજપતિ, રાયગડ, મલ્કાનગિરિ અને કોરાપુટ જિલ્લામાં કેટલાંક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું છે અને ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. રવિવારે કેન્દ્રપાડા, ખુર્દા, પુરી, જગતસિંહપુર, કટક, નયાગઢ, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુરના કેટલાંક સ્થળે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવા સાથે યલો એલર્ટ જારી કર્યું છે. આઇએમડીએ કહ્યું કે સંભવિત ડીપ ડિપ્રેશનના કારણે ૮થી ૧૧ સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર-પશ્ચિમી બંગાળની ખાડી અને પશ્ચિમ મધ્ય બંગાળની ખાડીને અડીને આવેલા ઓડિશાના તટો પર ૪૦-૫૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવનનું અનુમાન છે.

તેલંગાણામાં એક અઠવાડિયામાં ૨૦ લોકોનાં મૃત્યુ

ચાલુ અઠવાડિયાની શરૂઆતમાં પડેલા ભારે વરસાદ અને પૂરનાકારણે તેલંગાણાના ખમ્મમ, ભદ્રાદી કોઠાગુડેમ, મહબૂબાબાદ, સૂર્યપેટ, નલગોંડા અને અન્ય જિલ્લામાં ભારે કેર વરસ્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૨૦ લોકોના મૃત્યુ થયાં, જ્યારે રસ્તા, વીજળી અને અન્ય સુવિધાઓને ભારે નુકસાન થયું છે. બંગાળની ખાડીમાં લો- પ્રેશરવાળા ક્ષેત્રના કારણે નવમી સપ્ટેમ્બર સુધી ઘણા ભાગોમાં ભારે વરસાદનું અનુમાન છે. આઇએમડીએ આગામી ચાર દિવસ માટે રાજ્યના ઘણા ભાગો માટે યલો એલર્ટ જારી કર્યું છે.

Leave a Reply