બુધવાર દિવસ દરમિયાન રાજ્યનાં ૧૦૬ તાલુકામાં વરસાદી માહોલ રહ્યો હતો. જેમા સૌથી વધુ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં અઢી ઈચ અને રાધનપુર તાલુકામાં સવા બે ઈંચ જેટલો વરસાદ થયો હતો. બીજી તરફ હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. એ સિવાય મધ્ય ગુજરાતમાં ભરૂચ તેમજ સૌરાષ્ટ્રમાં મોરબી અને કચ્છમાં પણ ભારે વરસાદી માહોલ રહેવાના સંકેત આપ્યાં છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ તેમજ મોરબી અને કચ્છમાં ગુરૂ અને શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. એ પછી શનિવારના રોજ બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં તેમજ રવિવારના રોજ વલસાડમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. જોકે એ પછી સોમવારથી રાજ્યના એકપણ વિસ્તારમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ નથી.મહત્ત્વનુ છે કે, આજે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતમાં જ સૌથી વધુ વરસાદી માહોલ રહ્યો હતો. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ૧ ઈંચથી લઈને અઢી ઈંચ સુધીનો વરસાદ થયો હતો.