
આજ કાલ આપણા પર આવતા વણજોઇતા કે જોખમી કોલ્સ આઅને અને મેસેજિસથી બચવાના બે રસ્તા છે. એક રસ્તો એ કે અન્ય લોકોએ જેને સ્પામ કે જોખમી ગણાવ્યા હોય તેવા ફોન નંબર પરથી આવતા કોલ/મેસેજ વિશે આપણને ચેતવવામાં આવે. બીજો રસ્તો એ કે સ્ક્રીન પર ફક્ત નંબર દેખાય તેને બદલે તે નંબર કોના નામે છે એ આપણે જાણી શકીએ તો પણ એ કોલ રીસિવ કરવો કે મેસેજમાંની કોઈ લિંક પર ક્લિક કરવી કે નહીં તે વિશે આપણે વધુ માહિતીપૂર્ણ નિર્ણય લઈ શકીએ.
એરટેલ કંપનીએ પહેલો રસ્તો અપનાવ્યો છે, ટ્રુકોલર કંપની પહેલો અને બીજો રસ્તો બંને અપનાવી રહી છે, જ્યારે ભારતમાં ટેલિફોન વ્યવસ્થાનું સંચાલન કરતી ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) લાંબા સમયથી બીજા રસ્તા પર ફોકસ કરી રહી છે. ફોનના સ્ક્રીન પર કૉલરનું નામ દર્શાવવાની વ્યવસ્થા “કૉલર નેમ પ્રેઝન્ટેશન (સીએનએપી – સીનેપ)’ તરીકે ઓળખાય છે.
વર્ષ ૨૦૨૨માં ટ્રાઈએ સમગ્ર દેશમાં સીનેપ લાગુ કરવાની વ્યવસ્થા પર વિચાર શરૂ કર્યો. એ મુજબ ભારતમાં ફોન/મોબાઇલ સર્વિસ આપતી બધી કંપનીમાં નોંધાયેલા બધા જ ફોન નંબર કઈ વ્યક્તિ કે બિઝનેસના નામે છે તેનો એક વિરાટ અને સંકલિત ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેથી જુદી જુદી ફોન/મોબાઈલ સર્વિસના યૂઝર્સ તેમના પર કોઈ કોલ આવે ત્યારે એ નંબર કોના નામે નોંધાયેલો છે તે જાણી શકે.
જો કોઈ કંપનીએ એક સાથે સંખ્યાબંધ ફોન નંબર રજિસ્ટર્ડ કરાવ્યા હોય તો એ ફોન નંબર માટે ક્યું નામ દર્શાવવું એ બિઝનેસ પોતે નક્કી કરી શકશે. એ જ રીતે આરબીઆઈ, સેબી, ઈરડા કે પીએફઆરડીએ જેવી સંસ્થાઓ દ્વારા જેનું સંચાલન થતું હોય તેવી તમામ બેંક, કંપની વગેરેને ૧૬૦ થી શરૂ થતો નંબર આપવામાં આવે તથા માત્ર એ જ નંબર પરથી બેંક, વીમા વગેરે સંબંધિત કૉલિંગ કે મેસેજિસ મોકલવાનું પણ ફરજિયાત કરવામાં આવી રહ્યું છે.
વિવિધ કંપની દ્વારા મોકલવામાં આવતા ટેકસ્ટ મેસેજ કંપનીના વેરિફિકેશન પછી જ મોકલી શકાય એવી ટ્રાઇની વ્યવસ્થા પર પણ અમલ શરૂ થઈ ગયો છે. એ કારણે બિઝનેસ પ્રમોશન માટે કે છેતરપિંડીના આશયથી મોકલાતા બલ્ક મેસેજ મોકલવાનું ધીમે ધીમે મુશ્કેલ બનતું જશે.અલબત્ત અત્યારે આ બધામાં કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓ નડી રહી છે.
જેમ કે હાલમાં ફક્ત ફોર-જી અને ફાઈવ-જીના કસ્ટમર્સને સીનેપ સર્વિસનો લાભ મળી શકે તેમ છે. ટુ-જી સર્વિસ મેળવતા યૂઝર્સને તેનો લાભ હાલ પૂરતો મળવો મુશ્કેલ છે. જોકે હાલની સરકારે તેના પહેલા ૧૦૦ દિવસમાં પૂરાં કરવાનાં કામનો જે એજન્ડા બનાવ્યો છે તેમાં સીનેપનો અમલ પણ સામેલ છે. હવે જોઈએ કે તેનો લાભ આપણા સુધી ક્યારે પહોંચે છે!.