Breaking
14 જૂન 2025, શનિ

બ્રહ્માંડનો સૌથી મોટો તારો જેમાં ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે.

ભારતે સૌર મિશન ‘આદિત્ય એલ-૧’ સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે, જે આવનારા દિવસોમાં આપણા સૌરમંડળના સૌથી મોટા તારા ‘સૂર્ય’ સાથે જોડાયેલાં ઘણાં રહસ્યો પરથી પડદો ઉઠાવી શકે છે. દુનિયાભરના વૈજ્ઞાનિકોને ઘણી નવી જાણકારીઓ મળશે, પરંતુ શું તમે એ જાણો છો કે આપણા સૌરમંડળની બહાર એક તારો એટલો વિશાળ છે કે જેમાં આપણા સૂર્ય જેવા ૧૦ અબજ સૂર્ય સમાઈ શકે છે! આ તારાનું નામ સ્ટીફેન્સન ૨-૧૮ (Stephenson 2-18) છે અને આ અત્યાર સુધી જેની ઓળખ થઈ શકી છે એવો સૌથી મોટો તારો છે.

ક્યાં છે સ્ટીફેન્સન ૨-૧૮?

સ્ટીફેન્સન ૨-૧૮ આપણી આકાશગંગા મિલ્કી વેના ઓપન ક્લસ્ટરમાં આવેલો છે. ધ એસ્ટ્રોફિઝિકલ જર્નલ અનુસાર આ ઓપન ક્લસ્ટરમાં સ્ટીફેન્સન ૨-૧૮ જેવા લગભગ ૨૬ વિશાળકાય તારા આવેલા છે. સ્ટીફેન્સન ૨-૧૮ને પાયપર જાયન્ટ સ્ટાર એટલે કે વિશાળકાય તારાઓની કેટેગરીમાં રાખવામાં આવ્યો છે. આ વિશાળકાય તારા બ્રહ્માંડમાં મળી આવનારા G ખૂબ જ વિશાળ અને દુર્લભ તારા હોય છે. સ્ટીફેન્સન ૨-૧૮ને સ્ટીફેન્સન 2 DFK 1 અથવા RSGC2-18ના નામથી પણ ઓળખવામાં આવે છે.

આ તારાની શોધ કેવી રીતે થઈ હતી?

અમેરિકન ખગોળ વિજ્ઞાની ચાર્લ્સ બ્રૂસ સ્ટીફેન્સને પહેલીવાર સ્ટીફેન્સન ૨-૧૮ની શોધ કરી હતી. સ્ટીફેન્સને Burrell Schmidt ટેલિસ્કોપ વડે આકાશગંગાના ઉત્તરના છેડાનું અધ્યયન કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે એ ઓપન ક્લસ્ટરર્ને જોયું કે જેમાં સ્ટીફેન્સન ૨-૧૮ હતો. ત્યારે ચાર્લ્સ બૂસ સ્ટીફેન્સને અનુમાન લગાવ્યું કે આ ઓપન ક્લસ્ટર ૯૮ હજાર પ્રકાશવર્ષ દૂર છે અને તેમાં રહેલા બધા જ તારા સુપર જાયન્ટ છે.

નામ આ રીતે પડયું.

ઈ.સ. ૧૯૯૦માં ચાર્લ્સ બ્રૂસ સ્ટીફેન્સને એસ્ટ્રોનોમિકલ જર્નલમાં એક લેખમાં આ તારાનો ઉલ્લેખ કર્યો અને લખ્યું કે, ‘ઓપન ક્લસ્ટરમાં આશરે ૧૦ ધૂંધળા, ધૂળના ગોટાથી લપેટાયેલા અને આગના ગોળા જેવા લાલ તારા છે, જેમાંથી મોટાભાગના મહાવિશાળકાય (સુપર જાયન્ટ) છે.’ પછી બીજા ખગોળ વિજ્ઞાનીઓએ આ વાતની પુષ્ટિ કરી અને ચાર્લ્સ બ્રૂસ સ્ટીફેન્સનના નામ પરથી આ તારાનું નામ સ્ટીફેન્સન ૨-૧૮ રાખવામાં આવ્યું.

સ્ટીફેન્સન ૨-૧૮ આપણા સૌરમંડળમાં હોત તો ?

વૈજ્ઞાનિકોના મતે સ્ટીફેન્સન ૨-૧૮ એટલો મોટો તારો છે કે તેની અંદર આપણી પૃથ્વી જેટલી ૧ લાખ ૪૦ હજાર ટ્રિલિયન (૧ ટ્રિલિયન = ૧ લાખ કરોડ) પૃથ્વી સમાઈ શકે છે. જો સ્ટીફેન્સન ૨-૧૮ને આપણા સૌરમંડળમાં ફિટ કરી દેવામાં આવે તો તેનો આકાર (રેડિયેશ) એટલો મોટો હશે કે યુરેનસ ગ્રહ સુધીના ઓર્બિટને પોતાની અંદર સમાવી લે.

આ તારો આપણા સૂર્યથી કેટલો મોટો છે?

સ્ટીફેન્સન ૨-૧૮ આપણી પૃથ્વીથી ૨૦ હજાર પ્રકાશવર્ષના અંતરે આવેલો છે અને તેની અનુમાનિત ઉંમર ૨૦ મિલિયન (૨ કરોડ) વર્ષની આસપાસ છે. તે આપણા સૂર્યથી ૧૦ બિલિયન ગણો મોટો છે અને તેની પહોળાઈ સૂર્યની સરખામણીમાં ૨૧૫૦ ગણી વધારે છે. આ તારો એટલો વિશાળ છે કે એક સાઈડથી બીજી સાઈડ સુધી જો લાઈટની સ્પીડે જવામાં આવે તો પણ ૯ કલાકનો સમય લાગશે જ્યારે લાઈટની સ્પીડે આપણા સૂર્યના એક છેડેથી બીજા છેડે પહોંચવામાં માત્ર ૧૪.૫ સેકન્ડનો સમય જ લાગે છે. સ્ટીફેન્સન ૨-૧૮ આપણી આકાશગંગા એટલે કે મિલ્કી વેના સૌથી ચમકદાર તારામાંથી એક છે.

Leave a Reply